Tuesday, October 29, 2013

Bombay Ice Halwa (Diwali Mithai Special)


મુંબઈનો હલવોઃ

*સામગ્રી-

-મેંદો ૧ કપ
-ઘી ૧ કપ
-ખાંડ ૪ કપ
-દૂધ ૧ કપ મલાઈ સાથે
-એલચી પાવડર ચપટી
-બદામ પીસ્તા ની કતરણ ૧ ચમચી
-ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે
-એસન્સ જો ગમે તો  ૨-૩ ટીપા



*રીતઃ

સૌ પ્રથમ મેંદાને ઘીમાં ૨-૩ મીનીટ માટે ધીમા તાપે શેકો.પછી તેમાં દૂધ ,ખાંડ અને કેસર ઓગાળેલું નાંખી હલાવતા રહો.તાપ મીડીયમ રાખવો .ચોસલા પડે એવું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી એસન્સ નાંખી મિક્સ કરી થાળી ઉપર પ્લાસ્ટિક પેપર રાખી એના પર માવો રાખી પાતળું વણી લો .ઉપર બદામ પીસ્તા ની કતરણ તથા એલચી પાવડર ભભરાવો.ચોરસ આકાર આપવો હોય તો ચારે બાજુ થી કાપી ને આકાર આપો.સૌનો મનભાવન આઈસ હલવો તૈયાર .



*બીજી રીત :- દૂધ , ખાંડ ઘી અને મેંદો બધું એક કડાઈ માં  સારી રીતે  મિક્સ કરી ગેસ ઉપર મુકો .બાકી ની રીત ઉપર મુજબ .ફૂડ કલર હેલ્થ માટે સારો નથી એટલે બને ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું.કેસર વાપરવાથી સ્વાદ, સોડમ અને કલર બધું જ મળશે .તૈયાર છે તમારે માટે સ્વાદિષ્ટ અને સુગંધીદાર મુંબઈનો હલવો.

Rajkot na Peda (Diwali Mithai Special)

રાજકોટના પેંડાઃ

*સામગ્રી-

-250 ગ્રામ માવો                         
-125 ગ્રામ બૂરું ખાંડ
-ઇલાયચી                                  
-કેસર

*રીતઃ

માવાને છીણીને સહેજ ગરમ કરીને ઠંડો કરવો. પછી તેમાં બૂરું ખાંડ અને ઇલાયચીનો ભૂકો નાખવાં. કેસરી પેંડા કરવા હોય તો કેસર ઘુંટીને નાખવું. બઘું બરાબર ભેળવીને પેંડા વાળવા.ડિઝાઈનનું ફૂલ પેંડા પર દબાવી ડિઝાઈન પાડી શકાય.

Vadodara no Lilo Chevdo (Diwali Mithai Special)


વડોદરા લીલો ચેવડોઃ

*સામગ્રી-

-૨૦૦ ગ્રામ પાલક
-૧/૨ કપ મેંદો
-૧/૨ કપ ચણાનો લોટ
-૧/૨ કપ સીંગદાણા
-૧ કપ પૌંઆ
-૧/૨ પ્‍યાલો લીલા સૂકા વટાણા
-૧/૨ કપ કાબુલી ચણા
-ચમચી ખાવાનો સોડા
-૫-૬ લીલાં મરચાં,૧ ચમચી જીરું
-૧ ચમચો તલ,૧/૪ સૂકું કોપરું
-૨ ચમચા કિસમિસ,૧૫-૨૦ કાજુ
-૧ ચમચી મીઠું,૧ ચમચી ખાંડ
-તળવા માટે જરૂરી તેલ.

*રીતઃ

૧૦૦ ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, ૧ ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો.બાકી વચેલી અડધી પાલકમાં ૧ ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો.લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો.કોપરાની લાંબી પાતળી ચિપ્‍સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો ૧/૨ સે. મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો.ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું,તલ અને લીલાં મરચાં ૧/૨ ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્‍તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.

Surat ni Ghari (Diwali Mithai Special)

સૂરતની ઘારીઃ

*સામગ્રી-

-750 કિગ્રા.મેંદો
-10 ગ્રામ ઈલાયચી
-500 ગ્રામ ઘી
-400 ગ્રામ ચણાનો લોટ
-500 ગ્રામ ખાંડ
-જાયફળ દૂધમાં લસોટીને અડધો કપ

*રીત:

ચણાનો કરકરો લોટ ઘી માં શેકો. ઠંડો પડે તેમાં ખાંડ, જાયફળ, એલચીનો ભૂકો નાખી તેનું પૂરણ કરો. હવે મેંદામાં ઘીનું મોણ નાખી, કઠણ લોટ બાંધી લૂઆ તૈયાર કરો. હવે તેની પૂરી વણી, એક પૂરી ઉપર પૂરણ મૂકી બીજી પૂરી મૂકો. તેને ચારે બાજુ બંધ કરી તેને કપડાથી ઢાંકો.હવે તેને ઘી માં તળી લો. થાળીમાં મૂકો. ઠંડુ પડે ચમચી વડે ગરમ ઘી રેડો. અને ઘારી ઠંડી પડે ઉપયોગ કરો.

Khajur & Gajar Halwa (Winter Special)


સામગ્રી 


     છીણેલાં ગાજર - ૮થી ૧૦ નંગ 

     ખજૂર - ૩/૪ કપ 
     ઓલિવ ઓઈલ - ૧ ટેબલસ્પૂન 
     ખાંડ - ૧/૨ કપ
     દૂધ - ૨ કપ
     માવો - ૧/૨ કપ
     કાજુની કતરણ - ૮થી ૧૦ નંગ
     ગ્રીન એલાયચી પાઉડર - ૧/૨ ટીસ્પૂન 
     બદામની કતરણ - ૮થી ૧૦ નંગ

રીત
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાજર અને ખાંડ નાખી ૫ મિનિટ પકવો.ત્યારબાદ તેમાં દૂધ નાખી ૬થી ૮ મિનિટ પકવો.દૂધ સહેજ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં માવો, ખજૂર, કાજુ અને ગ્રીન એલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.હલવામાંથી દૂધ શોષાઈ જાય ત્યાં સુધી પકવો.હલવાને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

Sunday, October 27, 2013

Lasaniya Batata

લસણિયા બટાટા

* સામગ્રી:-

-   1 કપ ચણાનો લોટ
-   ¼ ચમચી હળદર
-  2 ચમચા તેલ
-  ¾ ચમચી લાલ મરચું
-  ½ કપ દહી
-  લસણની 10 કળી [કાપેલી]
-  1 ચમચી જીરુ
-   2 ચમચી ધાણાજીરુ
-   300 ગ્રામ બેબી બટાટા
-  1 મોટો ચમચો સમારેલી કોથમીર
-  ½ ચમચી ગરમ મસાલો
-  તળવા માટે તેલ
-  સ્વાદાનુસાર મીઠું

* રીત:

બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો.
જીરુ ગરમ થયે [જીરુ તડતડ નહીં થાય] તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો ઉપર.

Gulab Jamun

ગુલાબજાંબુ

*સામગ્રી

-500 ગ્રામ મોળો માવો
-250 ગ્રામ પનીર
-125 ગ્રામ મેંદો
-125 ગ્રામ આરારૂટ
- 500 ગ્રામ ખાંડ
-ચાસણી માટે
-ચપટી સોડા
-કેસરનું એસેન્સ
-થોડો લીંબુનો રસ
-દૂધ, ઘી પ્રમાણસર

*રીત

માવો અને પનીરને ખમણી રવાદાર ભૂકો બનાવવો. તેમાં મેંદો અને આરારૂટ ભેળવી, વરચે ખાડો કરી, તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખી, થોડીવાર રહેવા દેવું. પછીથી દૂધ નાખી, ખૂબ મસળી, કણક તૈયાર કરવી. તેમાંથી લૂઓ લઇ, ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં. હવે એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખી, ઉકળવા મૂકવું. ઉકળે એટલે લીંબુનો રસ ઉમેરી મેલ, મેલ તરી આવે તે કાઢી લેવો. થોડું કેસરનું એસેન્સ ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી. તેમાં બધાં ગુલાબજાંબુ નાખી, થોડીવાર રાખી ઉતારી લેવું. ત્યારબાદ કેસરનું એસેન્સ નાખી ત્રણ ચાર કલાક ઠરવા દેવા.

Thursday, October 24, 2013

Chocolate Barfi

ચોકલેટ બરફીઃ

*સામગ્રી-

-1/2 કપ બટર
-1 કેન કનડેંસ મિલ્ક
-1/2 કેન મિલ્ક પાવડર
-1 ચમચી વેનીલા એસેંસ
-1 ચમચી ચોકલેટ પાવડર

*રીત:

કાચના વાસણમા બટર, કંડેન્સ મીલ્ક અને મીલ્ક પવડર ભેગા કરી માયક્રોવેવ અવનમાં 2:30 મિનીટ માટે હાય પાવર પર મૂકવુ. અઢી મીનીટ પછી બહાર કાઢી હલાવી ફરી અઢી મીનીટ માટે માયક્રોવેવમાં મૂકવુ.  બહાર કાઢી બે ભાગ કરવા એક ભાગમાં વેનીલા એસેંસ નાખી હલાવી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવુ. બીજા ભાગમાં ચોકલેટ પાવડર ભેગો કરી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી વેનીલાની ઉપર પાથરી દેવુ. ઠંડુ પડે એટલે ચોસલા પાડી લેવા.

Kesar Katli

કેસર કતરીઃ

*સામગ્રી-

-૫૦૦ ગ્રામ કાજુ
-૨૦૦ ગ્રામ ખાંડ
-પાણી

*રીતઃ
સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસીને ભૂકો કરી લો.એકસરખો પાવડર કરી તેને એક બાઉલમાં ભરી લો.હવે એક પહોળી કઢાઈમાં ખાંડ નાખીને, તે ડૂબે તેટલું પાણી ઉમેરી, કઢાઇને ગેસ પર મૂકો.એક તારી ચાસણી થાય એટલે કાજુનો ભૂકો ઉમેરી દઈને સારી રીતે મિક્સ કરી લો. અને ઝડપથી પહોળા થાળમાં અથવા ચોરસ કે લંબચોરસ ચોકીમાં નાખીને સહેજ દબાવીને પાથરી દો.ઠંડું પડી જાય પછી તેના ડાયમંડ શેપમાં એકસરખા ટૂકડા પાડી લો. આમ તો કાજુકતરી હમેશા ડાયમંડ શેપમાં હોય છે પરંતુ ડબ્બામાં ભરતી વખતે અને પીરસતી વખતે તે ખૂણાથી તૂટી જવાનો ડર રહે છે.પછી દેખાવ પણ સારો લાગતો નથી. એટલે ડાયમન્ડ આકારને બદલે ચોરસ ટૂકડા પણ કરી શકાય.હવે તેની ઉપર ચાંદીનો વરખ લગાવી દો.અલબત્ત ચાંદીનો વરખ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ તેના પર તે ન લગાવો તો પણ ચાલે.

આજ રીતે ખાંડની ચાસણી બનાવીએ ત્યારે તેમાં બે-ત્રણ ટેબલસ્પુન જેટલા પાણીમાં કે દૂધમાં કેસર ભેળવો અને કાજુનો પાવડર કર્યો તે રીતે પીસ્તાનો થોડો મોટો દાણાદાર ભૂકો કરો અને કાજુના પાવડર સાથે ભેળવી દો. જો ૫૦૦ ગ્રામ કાજુનો પાવડર લીધો હોય તો તેટલો જ પીસ્તાનો મોટો દાણાદાર પાવડર લો અને ખાંડ ૫૦૦ ગ્રામ લો અને ઉપર જણાવ્યું છે તેમ જ કેસરવાળી ચાસણીમાં તેને નાંખી ઘટ્ટ થવા દો તો કાજુ,પીસ્તા,કેસર કતરી તૈયાર થશે.

Kaju Katli

કાજુકતરીઃ

*સામગ્રી-

-100 ગ્રામ કાજુના ટુકડા
-100 ગ્રામ માવો
-150 ગ્રામ ખાંડ
-6 નંગ એલચીનો પાઉડર
-ચપટી કેસરી રંગ
-25 ગ્રામ પિસ્તા
-વરખ

*રીતઃ

કાજુને મિક્સરમાં ક્રશ કરી લો.માવાને કડાઇમાં આછા બદામી રંગનો શેકી ઠંડો થવા દો.હવે તેમાં બૂરું, એલચી, ક્રશ કરેલા કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો.તેને એક ટ્રે કે થાળીમાં પાથરી તેના પર વરખ લગાવી દો.પૂરણ ઠંડુ પડે એટલે ચોસલા પાડી લો.

Tuesday, October 22, 2013

Sweet Ghughra

ઘુઘરા

*ઘરામાં ભરવાના પૂરણની સામગ્રી:

*સામગ્રી-

-400 ગ્રામ માવો (માવો હંમેશ ચાખી ને લેવો)
-100 ગ્રામ રવો
-2- ટે. સ્પૂન ઘી
-4૦૦ ગ્રામ ખાંડ (પીસી લેવી)
-1૦૦ ગ્રામ કાજૂ (એક કાજૂના ૫ થી ૬ ટૂકડા કરવા)
-5૦ ગ્રામ કિસમિસ
-7-8નંગ નાની એલચી
-100 ગ્રામ સૂકા નારિયેળનો ભૂકો
-લવિંગ જરૂરીયાત પ્રમાણે લેવા

*રીત:
કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો.ત્યારબાદ, તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને તેજ રીતે આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો.ખાંડને પીસી લેવી. સૂકો મેવો તૈયાર કરી રાખવો. (કાજૂના ટૂકડા પસંદ ન હોય તો ભૂકકો કરવો.) એલચીને પણ પીસી લેવી.ત્યારબાદ, માવો, રવો, ખાંડ, એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી અને મિક્સ કવા. જેથી ઘુઘરામાં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.


*ઘુઘરાનું ઉપરનું પડ બનાવવા માટેની જરૂરી સામગ્રી-

-500 ગ્રામ મેંદો
-5૦ ગ્રામ દૂધ
-125 ગ્રામ ઘી (કણક બાંધવા માટે તેમજ ઘુઘરા તળવા માટે)

*રીત:

મેંદાને એક વાસણમાં ચારણીથી ચાળી અને અલગ રાખવો.ત્યારબાદ, ઘી નું મોણ તેમાં નાખવું અને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરવું.હવે, લોટમાં દૂધ નાંખી અને જરૂરી પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધવો.લોટ બંધાઈ ગયા બાદ, તેની ઉપર ભીનું કપડું ઢાંકી દેવું અને લોટ સાઈડ પર મૂકી દેવો.ત્યારબાદ, કપડું ખોલીને લોટને ખૂબજ મસળી અને મુલાયમ બનાવવો.બધાજ ગોળાને ભીના કપડાથી ઢાંકી રાખવા અને એક ગોળાને બહાર કાઢી નાની પૂરી વણી લો.


*ઘુઘરા / કચોરી મા પૂરણ ભરવાની રીત :

ઘુઘરા બનાવાનો સંચો /બીબું આવે છે. તેમાં પૂરી રાખી અને તેમાં પૂરણ ભરી દઇ અને તેનું ઢાંકું બંધ કરી દેવાથી વધારાનો લોટ ને કાતરી લેવો અને ઘૂઘરો સાધનમાં તૈયાર થઇ જશે.પૂરીને હાથમાં લઇ અને તેમાં પૂરણ ભરી અને બંને છેડાને ભેગા કરીને પાણીથી ચિપકાવી દેવા અને આંગળીથી દબાવી ત્યારબાદ નખથી તેની કાંગરી પાડવી. જેને નખલા પાડવા નું કેહવાય. આ રીત બધાંને કદાચ ના પણ ફાવે. પરંતુ આ રીત થી તમારે જોઈએ તે માપના ઘૂઘરા બનાવી શકાય.પૂરીને ઘૂઘરાના (કાચોરીના) સંચામાં રાખી તેમાં પૂરણ ભરી અને તેની કિનારી ને પાણી લગાવી અને ચિપકાવી દેવી અને આંગળીથી દબાવી દેવી.

Mohan Thal

મોહનથાળ

*સામગ્રી-

-600 ગ્રામ ચણાનો કરકરો લોટ
-400 ગ્રામ માવો, રંગ,
-1 કિલો ખાંડ,
-ચારોળી જરૂર પ્રમાણે,
-ચપટી બરાસનો ભૂકો,
-600 ગ્રામ ઘી,
-બદામ 10-12 પીસ,
-12 એલચી અને દૂધ,

*રીત :

ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દઈ એક કલાક રાખી, તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. તેને ઉતારીને એલચીનો ભૂકો અને પીળો કે કોફી રંગ નાખો. ખાંડની બે તારી ચાસણી બનાવી, નીચે ઉતારી ઘૂંટો. તેમાં શેકેલ ચણાનો લોટ નાખીને ખૂબ હલાવો. તેને થાળીમાં પાથરી દો. તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠંડો પડે તેના ચક્તાં કરો.

Green Coconut Halwa

લીલા નાળીયેરનો હલવો

*સામગ્રી-

-૧ લીલુ નાળિયેર
-૧૦૦  ગ્રામ ખાંડ
-૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
-૧ કપ દૂધ
-૧ ટેબલ સ્પૂન ઘી
-૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ 
-કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

*રીતઃ

લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો. અને સર્વિંગ બાઉલમાં કાઢી.સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.લીલા નાળિયેરની સુગંધ અને દૂધ સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે અને આ હલવો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Aallu Tikki

આલું ટિક્કી

 *સામગ્રી-

-બટાકા ૫૦૦ ગ્રામ
-વાટેલા આદું મરચા ૨ ચમચી
-બ્રેડ સ્લાઈસ ૩ નંગ
-કોથમીર
-મરચું
-મીઠું સ્વાદ મુજબ
-તેલ જરૂર મુજબ
-ગરમ મસાલો ૧ ચમચી
-૧ લીંબુનો રસ

 *રીતઃ

બટાકાને બાફી લો.પછી છાલ ઉતારી હાથ વડે મસળીને માવો બનાવો.બ્રેડ પલાળીને નીચોવી નાંખો.પછી તેમાં ભેળવી દો, એમાં ઉપરનો મસાલો પણ નાખી દો, એની પેટીસ કે કટલેસ વાળો.ગરમ તેલમાં તળી લો.ગુલાબી થાય તો બહાર કાઢી લો. લીલી કે તીખી ચટણી સાથે પીરશો.

Choco Coco Roll

ચોકો કોકો રોલ્સઃ

*સામગ્રી-

-૧૦૦ ગ્રામ મલાઈ
-૧૦૦ ગ્રામ સૂકું કોપરુ
-૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
-૪ ટી સ્પૂન દળેલી ખાંડ
-૨ પેકેટ પારલે જી બિસ્કીટ

*રીતઃ

બિસ્કીટને નાના ટૂકડા કરીને મિક્સરમાં ક્રશ કરી સાવ બારીક પાવડર બનાવી લો. તેમાં કોકો પાવડર, ૧ ટીસ્પૂન ખાંડ, અને ૭૫ ગ્રામ જેટલી મલાઈ ભેળવી લોટ બાંધી લો.ત્યાર પછી બાકીની મલાઈ અને ખાંડ કોપરાના છીણમાં ભેળવી સારી રીતે મિક્સ કરો.હવે બે પ્લાસ્ટીક શીટની વચ્ચે બિસ્કીટ અને કોકો પાવડર વાળો ભાગ મૂકીને હળવે હાથે વણો. થોડું વણાઈ જાય એટલે તેની ઉપર ખાંડ, મલાઈનું મિશ્રણ મૂકીને ફરી વણી લો. આમ કરવાથી બન્ને મિશ્રણ એકસરખા ફેલાઈ જશે. મોટો રોટલો વણીને તેના ઉપરનું પ્લાસ્ટીક કાઢી લો. હવે નીચેના પ્લાસ્ટીકને ધીમેથી ઉપાડીને આખા રોટલાનો રોલ વાળી લો. આ રોલની ફરતે ચાંદીનો વરખ લગાડી લો. (વરખનો ઉપયોગ જરાય જરૂરી કે સલાહભર્યો નથી) રોલને ૧ કલાક સુધી ફ્રીજરમાં સેટ થવા મૂકો.રોલ એકદમ કડક થઈ જાય એટલે બહાર કાઢીને તેના એકસરખા પીસ કરો અને ડબ્બામાં ભરી લો. આ રોલ્સને ફ્રીજમાં જ રાખો અને પીરસતી વખતે જ બહાર કાઢો…

Pani Puri na Dahi Vada

પાણીપુરીના દહીંવડા

સામગ્રી :-

  =>બહારના પડ માટે :
– અડદની દાળ : ૧/૨ કપ
– મગની દાળ : ૧/૪ કપ
– મીઠું : જરૂર પ્રમાણે
- બંને દાળને ૪ કલાક પલાળી ને ક્રશ કરવી.

=> પાણીપુરી નાં સ્ટફિંગ :
– પાણીપુરીની પૂરી : ૧૦ નંગ
– SPROUTED હાફ કુક કરેલ મગ અને ચણા : ૧/૨ કપ
– ચાટ મસાલો : ૧ ટી.સ્પુન
– લાલ મરચું પાવડર : ૧/૨ ટી.સ્પુન
– મીઠું : જરૂર પ્રમાણે
– બાફેલ બટેટા : ૨ નંગ
– તેલ : તળવા માટે
– છાશ : ૧ બાઉલ

=> અન્ય :
– દહીં : ૫૦૦ gm
– મીઠું : જરૂર પ્રમાણે
– ખાંડ : જરૂર પ્રમાણે

  =>ડેકોરેશન માટે :
– કોથમીર, ફુદીનાની તીખી ચટણી
– ખજુર આંબલીની મીઠી ચટણી
– શેકેલ જીરૂ પાવડર
– ફુદીનાનો પાવડર
– કાજુ, કીસમીસ
– ચાટ મસાલો
– કલરફૂલ જેલી
– કોથમીર
– લાલ મરચું પાવડર
 

રીત :
- સૌ પ્રથમ બંને દાળને પાણી નાખ્યા વગર ક્રશ કરી મીઠું નાખી ખીરું તૈયાર કરી સાઈડ પર રાખી દેવું.
- હવે પૂરી માટેનો તૈયાર કરવો – મગ, ચણા અને બાફેલ બટેટાના નાના-નાના પીસ કરી તેમાં મીઠું, ચાટ મસાલો, લાલમરચું પાવડર નાખવા. આ સ્ટફિંગ પાણીપુરીની પૂરીમાં ભરી પૂરીને અડદની દાળના ખીરામાં ડિપ કરી તેલમાં તળી લેવા.
- તળાય ગયા બાદ બે મિનીટ માટે છાશમાં ડિપ કરી સર્વિંગ પ્લેટમાં મુકવા.
- તેની ઉપર મીઠું અને ખાંડ મિક્સ કરેલ દહીં રેડવું.
- હવે તેની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી મુકવી. તેના પર શેકેલ જીરૂ પાવડર, ફુદીના પાવડર અને ચાટ મસાલો તેમજ લાલમરચું પાવડર છાંટવો.
- હવે તેને કાજુ-કીસમીસ, જેલી અને કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવું. આ વાનગી નાના-મોટા સૌ કોઈને ભાવશે.

Masala Idli

મસાલા ઈડલી

સામગ્રી-

-૨ કપ ઈડલી નું ખીરું
-૧/૪ કપ છીણેલી કોબીજ
-૧/૪ કપ છીણેલી ડુંગળી
-૧/૪ કપ છીણેલું ગાજર
-૧/૪ કપ બાફેલા વટાણા
-૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-૧/૨ ટી.સ્પૂન ઈનો
-સ્વાદ પ્રમાણે મીઠું
-૧ ટી.સ્પૂન વાટેલા મરચા
-૧/૨ ટી.સ્પૂન વાટેલું આદુ

મસાલા માટેની સામગ્રી
-૧/૪ ટેબ.સ્પૂન તેલ
-/૪ ટી.સ્પૂન રાઈ
-૧/૪ ટી.સ્પૂન તલ

ચટણી બનાવવા માટેની સામગ્રી:
-૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર
-૨ નંગ લીલા મરચા
-કટકો આદુ
-૧/૪ કપ દાળિયા
-સ્વાદ પ્રમાંણે મીઠું
-૧/૪ કપ સમારેલી કોથમીર

વઘાર માટે-

-૧/૪ ટી.સ્પૂન તેલ
-૧/૮ ટી.સ્પૂન રાઈ
-૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
-૪ થી ૫ પત્તા લીમડાના

રીત:

સૌ પ્રથમ ઈડલીના ખીરામાં કાંદા, કેપ્સીકમ, ગાજર, વટાણા, મીઠું, મરચું, કોથમીર, આદુ અને કોબીજ નાખો. ત્યારબાદ તેમાં ઈનો નાખી બરાબર હલાવી ઈડલીના સ્ટેન્ડમાં વરાળથી બાફી લો. થોડીક કોથમીર બજુપર રાખવી.થોડી ઠંડી પડે એટલે સ્ટેન્ડ માંથી કાઢી લઇ તેની પર ચાટ મસાલો છાંટી કોથમીર ભભરાવો. પછી તેની પર રાઈ અને તલનો વઘાર કરો.

Thursday, October 17, 2013

Apple Walnut Salad (Winter Special)

એપલ વોલનટ સલાડ :

* સામગ્રી: -
1 નંગ સફરજન
8-10 નંગ અધકચરી અખરોટ
1 નંગ દાડમ
મીઠું સ્વાદ પ્રમાણે
2 ટી સ્પૂન વિનેગર
2 ટે.સ્પૂન એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ
3-4 કોબીજનાં પાંદડા

* રીત : સફરજનની કાપીને સ્લાઇઝ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ, વિનેગર મિક્સ કરી લેવું. તમે ઇચ્છો તો કોબીના પાન પણ લઈશકો. સલાડ સર્વ કરવા માટે પહેલા એક પ્લેટમાં કોબીના પાન પાથરી દેવા. તેની ઉપર સફરજનની સ્લાઇઝ ગોઠવી દેવી. સફરજનની સ્લાઇઝ પર દાડમના દાણા તથા અખરોટનો ભૂકો ભભરાવી લેવો. ત્યાર બાદ તાજું જ સલાડ સર્વ કરવું. તમને પસંદ હોય તો સલાડ પર ફેટેલું ચીઝ પણ ભભરાવી શકો.

Monday, October 14, 2013

Upma

ફટાફટ બનાવો ઉપમા:
 
* સામગ્રી:
 
- 1 નંગ ગાજર
- 1 કપ વટાણા
- 1 નંગ ટામેટા
- 1 નંગ ડુંગળી
- 3-4 લીલા મરચા
- 2 કપ રવો
- અડદની દાળ
- મીઠું સ્વાદઅનુસાર
- 1/2 ટી સ્પૂન રાઈ
- 1/2 ટી સ્પૂન જીરું,
- 1/2 ટી સ્પૂન હિંગ
- 1/2 કપ છાશ
- 1/2 કપ પાણી
- ઘી
 
* રીત:
 
સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ કરો તેમાં રાઈ ને જીરું ઉમેરો ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો. જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને અડદ દાળ ઉમેરો. ત્યાર બાદ તેમાં ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવો ને થોડી વાર ચઢવા દો. ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો. તેમાં પાણી અને છાશ ઉમેરો. રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.  એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રહેવું. નહિતર રવામાં ગટ્ટા થઇ જાશે, બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે. લ્યો તૈયાર છે ગરમા ગરમ ઉપમા

Saturday, October 12, 2013

Bhajiya

ભજીયાં:
 
* સામગ્રી:
 
- ૧ કપ ચણાનો ઝીણો લોટ,
- ૧ નાની ચમચી મરચું,
- ૧ નાની ચમચી હળદર,
- ૧ નાની ચમચી ખાંડ,
- ૧ નાની ચમચી ધાણાજીરું,
- ૧ નાની ચમચી ગરમ મસાલો,
- ૧ નાની ચમચી કણકીનો લોટ,
- થોડાં સાજીનાં ફૂલ,
- બટાકા,
- ડુંગળી,
- મરચાં,
- કેળાં,
- કેરી,
- કોળું,
- રીંગણ
- રતાળુ,
- અજમાનાં પાન,
- પોઈનાં પાન,
- તેલ પ્રમાણસર,
- મીઠું પ્રમાણસર
 
* રીત:
 
ચણાનાં લોટમાં બધો મસાલો નાખી ખીરું પલાળવું. કેળાં કે મરચાંનાં ભજીયાં કરવા હોય તો ખીરું જાડું રાખવું.પહેલાં તેનાં ભજીયાં ઉતારી પછી ઢીલું કરવું. બટાકા અને ડુંગળીનાં પાતળાં પીતાં કરવાં.કેળાંનાં જાડા પીતાં કરવાં. મરચાંમાં કાપા કરી,બીયાં કાઢી,મીઠું,ધાણાજીરું,ખાંડ ભરવાં.આફૂસ કેરીના ચોરસ પીતાં કરવાં. ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું.જેના ભજીયાં કરવા હોય તેનાં પીતાં ખીરામાં બોળી તેલમાં નાખવાં અને તળવાં.
આમ, વારાફરતી બધા ભજીયાં ઉતારવાં.

Rayta Darbari

રાયતા દરબારી

*સામગ્રી-

 -બે કપ દહીં
 -અડધો કપ સમારેલું સફરજન
 -૩-૫ અખરોટના ટુકડા
 -એક કેળું
 -બે ચમચી સાકર
 -એક ચમચી શેકેલા જીરાનો પાઉડર
 -અડધી ચમચી લાલ મરચું
 -મીઠું સ્વાદ પ્રમાણે
 -થોડી સમારેલી કોથમીર

*રીતઃ

દહીંમાં સાકર નાખી વલોવી લો. હવે એમાં સમારેલું સફરજન, અખરોટ, કેળાં નાખી હલાવો. એમાં શેકેલું જીરુ અને મીઠું નાખી મિક્સ કરો. હવે એને એક બાઉલમાં કાઢી લાલ મરચું અને કોથમીર ભભરાવી પીરસો.

Friday, October 11, 2013

Chocolate Roll

ચોકલેટ રોલ

* સામગ્રી:

- 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
- 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર
- 3 ટેબલ સ્પૂન મલાઈ
- મેરી ગોલ્ડ બિસ્કીટ નો ભૂકો
- મિલ્ક (4 ટેબલ સ્પૂન )
- ઘી 2 ટેબલ સ્પૂન
- આઈસીંગ સુગર 2 ટેબલ સ્પૂન
- પ્લાસ્ટિકની બે જાડી કોથળી (રોટલો કરવા)

* પુરણ માટે:

કોપરાનું છીન, મલાઈ 2 ટેબલ સ્પૂન ,અખરોટ નો ભુક્કો 4 ટેબલ સ્પૂન

 * રીત:

સૌ પહેલા કોકો પાવડર,ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટ નો ભુક્કો, મિલ્ક આઈસીંગ સુગર મિક્ષ કરો અને કડક લોટ ની કણક બાંધો.એને લીસ્સો કરવા ધી એડ કરવું. કણક બંધાઈ જાય એટલે એને પ્લાસ્ટિક ના બે કવર વચ્ચે રાખી જાડો રોટલો વનવો .પછી ઉપર નું પ્લાસ્ટિક નું કવર કાઢી લેવું.

પછી એક વાડકી માં કોપરાનું છીન મલાઇ અને અખરોટ નો ભૂકો મિક્ષ કરવુ .

પછી એને સ્પૂન વડે પેલા રોટલા પર જાડુ થર પાથરવું. પછી એ રોટલા નો રોલ વાળવો. રોલ વાડી ને ડિપ ફ્રીઝ માટે 15 મીનીટ માંટે મુકવું.પછી એને બહાર કાઢી ને એના પીસ કરી ને સર્વ કરવા. આ વસ્તુ ને તમે ડેઝર્ટ તરીકે પણ વાપરી શકો છો ઉપર ચોકલેટ સોસ ઉમેરી ને.

આમા કોઈ પણ ડ્રાય ફ્રુટ વાપરી સકાય છે. અને તમારે પુરણ ના બનવું હોય તો જે કણક તૈયાર કરી છે એમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી ને અલગ અલગ મોલ્ડમાં મૂકી ને શેપ આપવો અને સર્વ કરવું. ઉપર ચોકલેટ સોસ પણ નાખીને આપી શકાય .

Kathiyavadi Kadhi

કઢી

સામગ્રી:

ચણાનો લોટ ૧નાનો કપ,
ઘી ૨ ચમચી,
ગોળ પ્રમાણસર,
મીઠું પ્રમાણસર,
સૂકા લાલ મરચાં,
છાશ બે વાટકા,
રાઈ, મેથી, જીરું,
હિંગ પ્રમાણસર,
વાટેલા આદુ – મરચાં ૧ ચમચી,
લીમડાનાં ૧૦ થી ૧૨ પાન,
કોથમીર અડધી ઝૂડી.

રીત:

સૌ પ્રથમ એક વાસણ લો. ત્‍યારબાદ તેમાં છાશ લઈને તેમાં ચણાનો લોટ નાખીને ઝેરણી વડે વલોવી નાખો અને તેમાં મીઠું અને વાટેલાં આદુ – મરચાં, લીમડાનાં પાન વગેરે મુકી વઘાર કરવો. ત્‍યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ગોળ નાંખી દેવો. ત્‍યારબાદ કઢીને ખૂબ ઉકાળવી અને ઉકળી જાય એટલે કોથમીર બારીક સમારીને નાખવી પછી ઉતારી લેવી.

Daal Dhokdi

દાળઢોકળી:

* સામગ્રી:

- એક વાટકી તુવેરની દાળ
- 100 ગ્રામ ગોળ
- પાંચથી છ કોકમ
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી લાલ મરચું
- એક ચમચી સિંગદાણા
- 4 ચમચી તેલ
- વઘાર માટે બે-ત્રણ લવિંગ
- તજ
- અડધી ચમચી રાઈ
- હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું.

* ઢોકળી માટે :

ઘઉંનો લોટ એક વાટકી, પા ચમચી હળદર, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. બે ચમચી તેલ મોણ માટે.

* રીત:

સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી. એમાં છ કપ ગરમ પાણી નાખવું. હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો. બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, લવિંગ, રાઈ અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો. એક વાટકી લોટમાં મીઠું, તેલ, હળદર, મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો. એના એક સરખા લૂઆ કરી પાતળી રોટલી વણી એને છરી વડે નાના ચોરસ ટુકડા કરી દાળમાં નાખવા. ઢોકળી નાખ્યા બાદ દસ મિનિટ ઊકળવા દેવું. પીરસતી વખતે એક ચમચી ઘી નાખવું અને કોથમીર ભભરાવવી.

Thursday, October 10, 2013

Aalu Basket-Chaat

આલુ બાસ્કેટ ચાટ:

* સામગ્રી :

- નાના બટેટા ૫૦૦ ગ્રામ,
- ઉગાડેલા મગ-મઠ ૨૦૦ ગ્રામ,
- કાકડી ૧ નંગ,
- ટમેટા ૨ નંગ,
- દાડમ ૧ નંગ,
- ઝીણી સેવ ૧૦૦ ગ્રામ,
- ગળી ચટણી ૧ વાટકી,
- તીખી ચટણી ૨ચમચા,
- કોથમીર ૧ચમચો,
- ચાટમસાલો ૧ ચમચો,
- જીરૃ પાવડર ૧ચમચો,
- ફૂડ કલર પ્રમાણસર,
- મીઠુ પ્રમાણસર.



* રીત :

બટેટા ધોઈને મીઠુ નાખીને બાફીલો. તેના બે ભાગ કરો. છાલ ઉતારી લો. અર્ધા અર્ધા બટેટાને વચ્ચેથી સ્કૃપ કરીને વચ્ચેનો ગર કાઢીલો. તેથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. તેના ત્રણ ભાગ પાડો. રેડ-ગ્રીન-યલો ફુટ કલર જરા જરા લો તેમાં પાણી મીક્સ કરો અને તેમાંથી બાસ્કેટને કલર કરો. તેથી રંગ બેરંગી આલુ બાસ્કેટ તૈયાર થશે. મગ-મઠ બાફીલો. કાકડી ટમેટાના નાના નાના પીસ કરો. દાડમ છોલીલો. આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો તેના ઉપર મગ-મઠ નાખો. તેના ઉપર કાકડી ટમેટાના ઝીણા પીસ નાખો. તેમાં મીઠુ-જીરૃનો પાવડર નાખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ- ચાટ મસાલો- ગળી ચટણી- તીખી ચટણી કોશમીર નાખીને બધા બાસ્કેટ તૈયાર કરો. બીજી રીતે બાસ્કેટ ગોઠવવા હોયતો ત્રણ કલરના બાસ્કેટ મૂકો તેની અંદર તીખી ચટણી લગાડો તેમાં મગ-મઠ-ગળી ચટણી અને સેવ નાખો. પ્લેટમાં બાસ્કેટ મૂકીને આજુબાજુ કાકડી ટમેટાના પીસ-દાડમના દાણા-ગળી ચટણી- સેવ- કોશમીર- સ્કૃપ બટેટાના પીસ ગોઠવો. સર્વ કરો. ફુડ કલરની બદલે બીટનો રસ- કેસર અને ગ્રીન ચટણી વાપરીને કલરફુલ બાસ્ટેક બનાવી શકાય.

Chatpati Gujrati Dal

ચટપટી ગુજરાતી દાળ

*સામગ્રી-
-1 વાટકી તુવેરની દાળ
-1 ચમચી ચણાની દાળ
-1 ચપટી મેથી
-તલનું તેલ
-રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ખારેક, ટોપરું, ગરમ મસાલો, ગોળ, કોકમ, -સૂંઠના ટૂકડા, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.

*રીત-
 તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તલનું તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે. ધીમા તાપે વધાર થઇ ગયા પછી જરૂરિયા મુજબનું મીઠું, કોકમ, ખારેકનો ભૂકો, સૂંઠના ટૂકડા, કાળા મરીનો ભૂકો નાંખીને ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. ત્યારબાદ દાળમાં ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું. સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવુ.

Yummy Cheese-Tomato Sandwich

યમ્મી ચીઝ-ટોમેટો સેન્ડવીચ

*સામગ્રી-
-4 સ્લાઈસ બ્રેડ
-2 ટેબલસ્પૂન પિનટ બટર
-1/2 ટીસ્પૂન પીસેલું લસણ
-1 નાનું ટમેટું સમારેલું
-1/2 લાલ અથવા લીલુ કેપ્સિકમ,પાતળી સ્લાઈસ કરેલું
-8 સ્લાઈસ ચેડાર ચીઝ,
-2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બ્સ અને મરી પાવડર

*રીત-
બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો.હવે આ બ્રેડની દરેક સ્લાઈસ પર પિનટ બટર લગાડીને સ્પ્રેડ કરી લો. તેના પર લસણની પેસ્ટ પણ લગાડી દો.ચારમાંથી કોઈ પણ બે બ્રેડની સ્લાઈસ પર ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી દો.
તેના પર ચીઝની સ્લાઈસ ગોઠવો.તેના પર બાકીની બ્રેડની સ્લાઈસ ગોઠવીને ટોસ્ટ કરો. ચીઝ થોડું પીગળે તેટલી વાર માટે જ ટોસ્ટ કરવું.સેન્ડવિચ પર ઓરેગાનો અને મરી પાવડર નાંખીને સર્વ કરો.

Tuesday, October 8, 2013

Paneer Bread Khir

પનીર બ્રેડની ખીર

*સામગ્રી-
-1 લીટર દૂધ
-150 ગ્રામ પનીર
-સ્વાદ અનુસાર ખાંડ
-અડધો કપ પાણી
-2 બ્રેડના પીસ-કિનારી કાપેલા
-1 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર
-1 નાની ચમચી વેનીલા એસેન્સ
-કાપેલી બદામ, કાપેલા પિસ્તા, એક ટેબલ સ્પૂન ચારોળી.

*રીત -
સૌથી પહેલા દૂધનો ઉભરો લાવો. ત્યારબાદ તેમાં કસ્ટર્ડ પાવડર નાંખી ધીમી આંચે 15થી 20 મિનિટ સુધી ઉકાળતા રહો. 50 ગ્રામ પનીરના નાના-નાના ટૂકડા કરી લો અને બાકીના પનીરને છીણી લો.અડધા કપ પાણીમાં સ્વાદ અનુસાર ખાંડ, છીણેલું પનીર, કાપેલું પનીર નાંખી ધીમી આંચે ત્યાંસુધી રાંધો જ્યાંસુધી ખાંડની એક તારની ચાસણી ન થાય. ત્યારબાદ આ મિશ્રણને દૂધમાં નાંખી દો. બ્રેડના પીસને થોડા દૂધમાં પલાળો, તેમાં કસ્ટર્ડ પાવડર નાંખી મિક્સીમાં કે ચમચીથી બરાબર ફેંટી લો. પછી બ્રેડના મિશ્રણને દૂધમાં નાંખી દો.હવે બધા ડ્રાયફ્રુટ્સને દૂધમાં નાંખી દો અને 15 મિનિટ સુધી ધીમી આંચે રાંધો. ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ નાંખો. તૈયાર છે તમારી ખીર, જેને તમે ગરમ-ગરમ અથવા ફ્રીઝમાં મૂકીને ઠંડી કરીને પીરસી શકો છો.

Mix Veg.Raytu

મિક્સ વેજ. રાયતું

*સામગ્રી-
-દહીં બે કપ
-ટમેટું એક નંગ
-ડુંગળી એક નંગ
-ગાજર એક નંગ
-કાકડી એક નંગ
-બીટ અડધું
-લીલા મરચા બે નંગ
-સમારેલી કોથમીર અને ફુદીનો અડધો કપ
-સુંઠ અડધી ચમચી
-જીરું એક ચમચી
-ખાંડ એક ચમચી
-મરચું અડધી ચમચી
-મીઠું સ્વાદ મુજબ

*રીત:
ડુંગળી, કાકડી, ગાજર,બીટ,લીલા મરચા,અને ટામેટા ને ધોઈને બારીક સમારી લો. ફુદીનો અને કોથમીર પણ સારી રીતે ધોઈ ને સમારો. દહીને વલોવો. જીરા ને ધીમી આંચે શેકીને ક્રશ કરો. હવે વાલોવેલા દહીં માં બધા સમારેલા શક નાખી મરચું, મીઠું અને શેકેલા જીરા નો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. ફ્રીજ માં ઠંડુ થવા દઈ પછી સર્વ કરો

Chanajor Garam

ચણાજોર ગરમ:

* સામગ્રી:

- ૫૦૦ ગ્રામ ચણા,
- તેલ,
- મીઠું,
- મરચાંની ભૂકી,
- ગરમ મસાલો, લીંબુ.

* રીત:

ઊકળતાં પાણીમાં ચણા નાખી દેવા. પાંચેક મિનિટ તાપ ઉપર રાખી નીચે ઉતારી ઢાંકી દેવા. દસ મિનિટ બાદ પાણી નીતારી લેવું અને એક ચમચો તેલ નાખવું. એક એક ચણો લઈ હલકે હાથે નાના દસ્તા વડે ટીંચી ચપટા બનાવવા. બધા ચણા ચપટા થઈ જાય એટલે ધીમા તાપે તળી લેવા. ત્યાર બાદ ઉપર મુજબનો મસાલો ભેળવવો. ખાતી વખતે લીંબુ નાખવું.

Kaju Paneer



કાજુ પનીર :


સામગ્રી :

- 200 ગ્રામ ફ્રેશ પનીર,
- 150 ગ્રામ કાજુની પેસ્ટ,
- 2 કેપ્સિકમ,
- 2 ડુંગળી,
- 10 ગ્રામ પીળા મરચાનો પાવડર,
- 2 મોટા ચમચા તેલ,
- 5 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ,
- જીરું,
- ગરમ મસાલો,
- મીઠું,
- સ્વાદ અનુસાર કાળા મરીનો ભૂક્કો.


રીત :

પનીરના ટૂકડાં કરી લો. કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરું નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડા ત્યાંસુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો.એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ-મે મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.

Monday, October 7, 2013

Surti Locho

"સુરતી લોચો" :
===================

સામગ્રી:
=====

ચણાની દાળ: ૧ વાડકી,
ચણાનો લોટ: ૧ ચમચી,
ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી,
મીઠું: સ્વાદ અનુસાર,
હળદર: ચપટી,
પાણી: જરૂર મુજબ,
ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી,
ખમણનો ટુકડો: એક,
સંચળ:જરૂર મુજબ,
શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ,
મરી: સ્વાદ અનુસાર,
ડુંગળી: ઝીણી સમારેલી એક,
ઝીણી સેવ જરૂર મુજબ,
બેથી ત્રણ ચમચા માખણ,
ચટણી માટે કોથમીર, પાલક.

રીત:
====

સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો.

હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો.

આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

Dahi Vada

"દહીવડા"
=====================

સામગ્રી :-

વડા માટે
૧ કપ અડદની દાળ
૧ કપ મગની દાળ
૧ ચપટી હિંગ
૧ ટી સ્પૂન અધકચરું વાટેલું જીરુ
૧ ચમચો દહીં
૧/૨ ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ (તીખું કરવું હોય તો જ)
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ તળવા માટે
દહીં માટે
૧ કિલો દહીં
૨૦૦ ગ્રામ ખાંડ
૧/૨ કપ ખજૂર આમલીની મીઠી ચટણી
૧ ટેબલ સ્પૂન જીરુ, સંચળ, મરીનો મિક્સ પાવડર
૧ ટેબલ સ્પૂન લાલ મરચું

રીત :-

બન્ને દાળને ધોઈને અલગ અલગ પલાળો. ૭ કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં ૧ ચમચો દહીં નાખીને ૧ થી દોઢ કલાક રહેવા દો.

હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરુ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ.

૪૦ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો.બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ૩૦ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો.

પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો.

Saturday, October 5, 2013

Nariyal Halwa



નાળિયેરનો હલવો


સામગ્રી :-

- ૧ લીલુ નાળિયેર
- ૧૦૦ ગ્રામ ખાંડ
- ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
- ૧ કપ દૂધ
- ૧ ટેબલ સ્પૂન ઘી
- ૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
- કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

  રીત :-

લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો .

Topara na Ladu



ટોપરાના લાડુ :



સામગ્રી :

કન્ડેન્સ્ડ મિલ્ક 400 ગ્રામ,
સમારેલી કિસમિસ 1 ચમચી,
બદામના ટુકડા 1 ચમચી,
છીણેલું કોપરું 4 કપ,
એલચીનો ભૂકો અડચી ચમચી.

રીત :

સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો.

Farali Chakri

ફરાળી ચકરી :
========

સામગ્રી

બટાકા - ૨ નંગ
રાજગરાનો લોટ - ૧ વાટકી
શિંગોડાનો લોટ - ૧ વાટકી
મોરૈયાનો લોટ - અડધી વાટકી

મરચું - ૧ ચમચી
જીરું - ૧ ચમચી
ખાવાનો સોડા - ચપટી
મીઠું - સ્વાદ મુજબ
તેલ - તળવા માટે

રીત

બટાકાને બાફી, છોલીને છીણ બનાવો. આ છીણમાં રાજગરાનો, મોરૈયાનો અને શિંગોડાનો લોટ ભેળવો. તેમાં મીઠું, મરચું, જીરું અને ખાવાનો સોડા મિક્સ કરી ચકરી પડે એ રીતે માવો તૈયાર કરો. જો બટાકાનું મિશ્રણ હાથમાં ચોંટતું હોય તો હથેળીને સહેજ પાણીવાળી કરી ચકરી પડે એવું મિશ્રણ બનાવો. હવે ચકરી પાડવા માટેના સંચામાં આ મિશ્રણ ભરો. તેલ ગરમ મૂકી તેમાં સંચાથી ચકરી પાડો અને તળી લો. ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરીને રાખો. ચકરી આઠ-દસ દિવસ સુધી રહેશે.

Wednesday, October 2, 2013

Veg.Cheese Sandwich

વેજ.ચીઝ સેન્ડવીચઃ

*સામગ્રીઃ
-બ્રાઉન બ્રેડ ૮ સ્લાઇસ
-માખણ ૪ ચમચા
-ચીઝનું છીણ જરૂર મુજબ
-ડુંગળી સમારેલી ૧ નંગ
-મઘ્યમ સાઇઝ સિમલા મરચા સમારેલા
-મઘ્યમ સાઇઝ ટામેટાં સમારેલાં ૧ નંગ
-લીલાં મરચાં સમારેલાં ૩ નંગ
-લીલી ચટણી અડધો કપ
-ટોમેટો કેચઅપ ચાર ચમચા

*રીતઃ
બ્રેડ સ્લાઇસ પર માખણ લગાવો. ચીઝ, ડુંગળી, સિમલા મરચાં, ટામેટાં, લીલી ચટણી એક બાઉલમાં મિકસ કરો. થોડું કેચઅપ નાખી મિકસ કરો. થોડાં લીટસનાં પાનને ઝીણાં સમારી આ મિકસચરમાં નાખો. બાકી વધેલાં લીટસમાં પાન અડધાં કરી ચારબ્રેડ સ્લાઇસ પર મૂકો. મિકસચરને તેની ઉપર પાથરી ફરીથી બાકીની બ્રેડ સ્લાઇસ મૂકો, થોડું દબાવો. તમારી સેન્ડવીચ તૈયાર છે. તેને બે પીસમાં કાપીને ખાઓ.

Tuesday, October 1, 2013

Cheese Paneer Lifafa



ચીઝ પનીર લિફાફાઃ


લિફાફા માટેની સામગ્રી:

-૧/૨ કપ મેંદો

-૧/૨ કપ ઘઉં નો લોટ

-૧ ટેબ.સ્પૂન તેલ

-સ્વાદ પ્રમાણે મીઠું

-૧/૪ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ

 

લિફાફાના સ્ટફિંગ માટેની સામગ્રી:

-૩/૪ કપ મોઝોરોલા ચીઝ
-૧/૨ કપ પનીર
-૧ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટમેટા
-૧ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કાંદા
-૧ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
-સ્વાદ પ્રમાણે મીઠું
-૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
-૧/૪ ટી.સ્પૂન ઓરેગાનો
-૧/૪ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ

રીત:
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ,મેંદો,મીઠું,તેલ અને ચીલી ફ્લેક્સ ભેગા કરી
પાણી વડે રોટલી જેવો લોટ બંધો.હવે તેમાં થી નાના નાના લુવા કરી તેની કાચી-
પાકી રોટલી શેકી ને બાજુપર રાખો.

 

સ્ટફિંગ બનાવવા માટેની રીત:
સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ ચીઝ અને પનીર ને છીણી લો.ત્યાર બાદ બાકીની બધી સામગ્રી ભેગી કરી સ્ટફિંગ તૈયાર કરી બાજુ પર રાખો.હવે એક રોટલી ની ઉપર સ્ટફિંગ પાથરી તેની ઉપર બીજી રોટલી મૂકી પછી પાણી અથવા મેંદા ની લઇ થી સીલ કરી લો.આ રીતે બધા લિફાફા તૈયાર કરી બાજી પર રાખો.હવે એક તવી પર ૧/૨ ટી.સ્પૂન તેલ મૂકી લિફાફા ને શેલો ફ્રાય કરી લો.આ જ રીતે બધા જ લિફાફા તૈયાર કરી ગરમ ગરમ પીરસો.

Cheese Balls

ચીઝ બોલઃ

*સામગ્રીઃ
-અડધો કપ મેંદો
-1 કપ મકાઈનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ
-ચપટી સોડા
-સ્વાદ અનુસાર મીઠું
-અડધી ચમચી ગરમ મસાલો
-અડધી ચમચી મરચું પાવડર.

*મસાલો બનાવવા માટેઃ
-1 કપ ફ્રેશ ચીઝ
-1/4 કપ બાફેલી પાલક
-અડધો કપ ઉકાળેલા સ્વીટ કોર્ન
-1 કપ કાપેલી ડુંગળી
-કાળા મરીનો પાવડર

*રીતઃ

મસાલાનું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા ચીઝ, પાલક, ડુંગળી, સ્વીટ કોર્ન, મીઠું અને કાળા મરીનો પાવડર એકસાથે સારી રીતે મિક્સ કરો. એક બીજા વાટકામાં મેંદો, કોર્ન ફ્લોર, ચોખાનો લોટ, બેકિંગ સોડા, કાળા મરીનો પાવડર, ગરમ મસાલો, પાણી અને મીઠાનું મિશ્રણ તૈયાર કરો. ત્યાર બાદ મસાલા માટેની તૈયાર કરેલી સામગ્રીમાંથી નાના-નાના બૉલ બનાવી લો અને લોટના મિશ્રણમાં બોળીને કાઢી લઇ ડીપ ફ્રાય કરો. આ રીતે બધા મિશ્રણમાંથી ચીઝ બૉલ તળીને તૈયાર કરો.

Tometo Masala Chat

ટોમેટો મસાલા ચાટ:

સામગ્રી -
અડધો કપ ફણગાવેલી દાળ, 8 ટામેટાં, 1 પીસેલી ડુંગળી, 1 છીણેલું ગાજર, પીસેલું લીલું મરચું, સ્વાદાનુસાર મીઠું, બ્રેડનો ભૂક્કો, ચાટ મસાલો, લીંબુનો રસ, સેવ, કાપેલી કોથમીર.

બનાવવાની રીત -
ટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો. એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય. એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશ્રરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.